રાજ્યભરમાં 29 ઓક્ટોબર- લાભપાંચમથી એટલે કે આજથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. <br /> <br />લાભપાંચમે એટલે કે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે. <br /> <br />કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.5850, મગનો રૂ.7755, અડદનો રૂ.6600 અને સોયાબીનનો રૂ.4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબીનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.